દિવાળીનાં શુભ પર્વની વચ્ચે બંગાળ પર સંકટનાં વાદળો ઘેરાણાં છે. હવામાન વિભાગે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઇ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડાની આશંકા છે અને એલર્ટ પણ જારી કરી દેવાયા છે.
આ સિતરંગ વાવાઝોડું 25 ઑક્ટોબરની સવારે બાંગ્લાદેશ કોસ્ટમાં તિનોકાના દ્વીપ અને સાન દ્વીપની વચ્ચેથી પસાર થશે. હવામાન વિભાગે આ વાવાઝોડાંને ધ્યાનમાં લઇને કેટલીક જગ્યાએ રેડ, ક્યાંક ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જારી કરેલ છે. હવામાન વિભાગ અનુસાપ જ્યારે સિતરંગ વાવાઝોડું બંગાળની સીમા પાસેથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તો તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે અને ગસ્ટિંગ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની રહેશે.
સિતરંગ વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગનાંમાં દિવાળીના શુભ પર્વે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ વિષયક માહિતી આપતા લોકોને ચેતવ્યાં છે. ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે. આ દબાણ 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. તે ધીરે-ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે.