રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મુરતિયા પસંદ કરવાની પ્રક્રિયા શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. બપોર સુધી જંબુસર બેઠક માટે મુરતિયાઓની મેરેથોન દાવેદારી બાદ વાગરા વિધાનસભા માટે વર્તમાન ધારાસભ્યનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક માટે ગુરુવારથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપની સિક્યોર માનવામાં આવતી ભરૂચ તેમજ અંકલેશ્વર વિધાનસભા માટે ઉમેદવારોને સાંભળવાની અને તેમની દાવેદારીની કામગીરી ગુરુવારે પૂર્ણ થયા બાદ શુક્રવારે વાગરા તેમજ જંબુસર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આજે શુક્રવારે સવારથી જ ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબહેન સુથાર સમક્ષ હાજર થયા હતા. આ નિરીક્ષકો દ્વારા વારાફરથી દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.
જંબુસર બેઠક માટે લાંબી યાદી બની
જંબુસર બેઠક માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવવા ઉમેદવારોની લાંબી કતાર જોવા મળી હતી. યાદીમાં માજી મંત્રી અને પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, સ્વામિનારાયણ પંથના ડી.કે.સ્વામી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, વિરલ મોરી, બળવંત પઢીયાર, વિલાસબેન રાજ અને કૃપા દોષી સહિત 15 થી વધુએ ચૂંટણી લડવા ઉત્સુકતા બતાવી હતી.
વાગરામાં અરૂણસિંહ રણાએ શક્તિ પ્રદર્શન કર્યું
બપોર બાદ વાગરા વિધાનસભા માટે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્તમાન ધારાસભ્ય અને સહકારી આગેવાન અરૂણસિંહ રણાએ તેમના ટેકેદારો, સમર્થકો અને મત વિસ્તસરના ગામોના સંખ્યા બંધ સરપંચોના સમર્થનને લઈ દાવેદારી કરવા આવી પોહચ્યા હતા. તેઓ ઉપરાંત વાગરા બેઠક માટે સંજયસિંહ ચાવડા, ધીરમ ગોહિલ, શૈલેષ પટેલ સહિતે મુખ્ય દાવેદારી નોંધાવી હતી.
વાગરા બેઠકના 125થી વધુ ગામોના સરપંચ અને ડેપ્યયુટી સરપંચ સહિત ગ્રામજનોએ પંચાયતના લેટરપેડ પર જ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાને સમર્થન જાહેર કર્યું હતું.
રાજપૂત છાત્રાલય ખાતે ઉમટેલા વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોએ નિરીક્ષકોની રૂબરૂ મુલાકાત લઈ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં રજૂઆતો કરી તેમને જ ટિકિટ મળે તેવી માંગ કરી હતી.
રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.