ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે,
કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા
ભરૂચ જીલ્લામાં આજે શનિવાર કાળમુખો સાબિત થયો છે. ભરૂચની નર્મદા ચોકડી તેમજ નબીપુર નજીક સર્જાયેલ બે અલગ અલગ અકસ્માતમાં 7 લોકોને ઇજા જ્યારે 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી, જ્યાં કારમાં સવાર 5 લોકોને ભારે જહેમતે બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરાથી સુરત તરફ જતા રોડ પર કન્ટેનર, 2 ખાનગી બસ, 1 સરકારી બસ તેમજ વાન વચ્ચે અકસ્માત સર્જાતા વાનમાં સવાર 3 લોકોનું ઘટના સ્થળે મોત, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે ઘટના સ્થળે પહોચેલી 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો બન્ને અકસ્માત અંગે પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.