બારડોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કારમાંથી રોકડા 20 લાખથી ચીલઝડપ પ્રકરણમાં ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. ઇન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી 20 કરોડ મોકલ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રોજના 50થી 60 લાખ મોકલવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
ગત 12મી ઓક્ટોબરે બારડોલીની એક કારમાંથી બાઇક ઉપર આવેલા અમદાવાદના બે ગઠિયાઓએ રોકડા 20 લાખની ચીલઝડપ કરી હતી. જોકે, એક જાગૃત યુવાનની સતર્કતાને કારણે આ ગઠિયાઓ અધવચ્ચે જ બેગ ફેંકી ફરાર થઇ ગયા હતા. જેમને બાદમાં એલ.સી.બી.એ ઝડપી લીધા હતા. બીજી તરફ આ રોકડા રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું જણાવતાં પોલીસે આ રોકડ તેમને સોંપી દીધી હતી, પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન નીલ બતાવતા આ ઉમેદવાર પાસે આટલી મોટી રકમ કઇ રીતે આવી તેને લઇને સુરત ગ્રામ્ય પોલીસ અને ઇન્કમટેક્સ ડિપા.એ તપાસ આરંભી હતી.
ઇન્કમટેક્સ વિભાગે શરૂ કરેલી તપાસમાં એવી હકીકતો બહાર આવી છે કે સૌરવ પરાશરે 20 લાખ લીધા હતા. આ નાણાં આંગડિયા પેઢી પટેલ મહેન્દ્ર સોમાભાઇ, બારડોલી મારફતે આવ્યા હતા. તેમજ છેલ્લા એક મહિનામાં દિલ્હીથી 20 કરોડ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જેવા કે વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, ગાંધીધામ, દાહોદ, વડોદરા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં રોજના 50થી 60 લાખ આંગડિયા મારફતે મોકલવામાં આવતા હતા.
અમદાવાદમાંથી પણ 30 લાખ કબજે કરાયા હતા
અમદાવાદના વેપારી મુકેશ તિવારી પાસેથી 30 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. આ નાણાં છગન જયંતિલાલા આંગડિયા પેઢીમાં અશોક ગર્ગ નામના વ્યક્તિએ મોકલ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. જ્યારે આપ સાથે સંકળાયેલા સૌરભ પરાશરે જ છેલ્લા થોડા દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં 8 કરોડ આંગડિયા મારફતે મોકલ્યા હોવાનું પણ ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે.