વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા તારીખ 6 નવેમ્બરથી હિત ચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. આ હિત ચિંતક અભિયાન દ્વારા દક્ષિણ ગુજરાતમાં 5 લાખથી વધુ લોકોને હિન્દુ હિત ચિંતક બનાવવામાં આવશે. દર 3 વર્ષે આવતું આ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં શરૂ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે છેલ્લું અભિયાન વર્ષ 2019માં યોજાયું હતું. હિત ચિંતક અભિયાનનો ઉદ્દેશ વિશ્વ હિન્દુ પરિષદના આયામના કાર્યોના માધ્યમથી સમાજના લોકોને સંગઠનના કામોથી અવગત કરાવવાનો છે. તદુપરાંત વર્ષ 2024માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પુરા થવા અવસર પર ષષ્ટિપૂર્તિનો કાર્યક્રમ પણ થવાનો છે. આ માટે અભિયાનને સર્વસ્પર્શી બનાવવા તમામ જાતિ, પંથ અને સંપ્રદાયનો સંપર્ક કરી લોકોને હિન્દુ રાષ્ટ્ર હિતના કાર્ય અને રાષ્ટ્ર હિતના કાર્યમાં જોડવાનો મુખ્ય હેતુ છે. આ અભિયાન દરમ્યાન વિશેષ વર્ગના લોકોને જેવા કે, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, ઉદ્યોગપતિ, વકીલ, પૂર્વ જજ, ગાયકો, અભિનેતાઓ ઈત્યાદી લોકોને કે જેઓ સમાજના ગણમાન્ય લોકો છે. તે લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવશે. આ સાથે જ દક્ષિણ ગુજરાત પ્રાંતમાં 20 જિલ્લા 155 પ્રખંડ અને 3 હજાર ગામડાઓનો સંપર્ક કરી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યો અને ઉદ્દેશોથી પરિચિત કરાવવામાં આવશે.
તદુપરાંત સેવા વિભાગ, દુર્ગાવાહીની, બજરંગ દળ, માતૃશક્તિ, સામાજિક સમરસતા જેવા અનેક ઉદ્દેશો સાથે સંપર્ક કરવામાં આવશે જેમાં નારી સશક્તિકરણ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ એવમ મઠ મંદિરની સુવ્યવસ્થા તથા એની સુરક્ષા સાથે જોડાઈલા મુદ્દો અને એના માટે ભાવ જગાડવાનો ઉદેશ છે, ગૌ રક્ષા, સેવા અને સંવર્ધન વિશે માહિતી આપવામાં આવશે. આ અભિયાનમાં 2500 કાર્યકર્તા 15 દિવસ સુધી વિસ્તારક તરીકે કાર્ય કરશે. આ અભિયાનમાં વિહિપ ધર્માંતરણ, લવજેહાદ અને ઘરવાપસી જેવા મુદ્દા માટે હરહંમેશ કટિબદ્ધ છે, તેની જાણકારી પણ લોકોને આપવામાં આવશે.