સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે,
સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ત્યારે અમદાવાદ સ્થિત આપના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે રહેલા પોસ્ટરમાં રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુના ફોટા પર કાળો કલર લગાવી આપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગઈકાલે આપ પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવીને સીએમના ચેહરા તરીકે જાહેર કર્યા હતા. પરંતુ આ જાહેરાત બાદ આપ પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. સૌરાષ્ટ્રના કદાવર નેતા અને હાલમાં કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ થયા અને રાતોરાત આપને અલવિદા કરી ફરીવાર કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ આપ પાર્ટી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા, ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડતાં આપના કાર્યકર્તા ગુસ્સે ભરાયા હતા, અને અમદાવાદ સ્થિત આપના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પોસ્ટર જેમાં કેજરીવાલ અને ઈશુદાન ગઢવી સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુના ફોટા પર કાળો કલર લગાવી વિરોધ દર્શાવાયો હતો. જોકે, આ કલર કોણે લગાડ્યો તેની હજી સુધી પુષ્ટિ થઈ નથી. તો બીજી તરફ હાલ આપ કાર્યાલય પર ઉપર લગાવેલ પોસ્ટરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના ફોટા યથાવતઃ રહેતા અનેક સવાલ ઊભા થયા છે. આમ થોડા દિવસ પહેલા આપમાં આવેલ ઇન્દ્રનીલ ફરીવાર કોંગ્રેસમાં જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.