રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે.
રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત જાણીતા લેખક મોહમ્મદ માંકડનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અંતિમયાત્રા એમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન સેક્ટર-૨૦ ખાતેથી સવારે ૧૦ વાગે નીકળશે.
મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ બોટાદ જિલ્લાના આવેલા પાળીયાદ ગામમાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો અને બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયા. ૧૯૮૨ થી ૧૯૯૨ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે સેવાઓ આપી. તેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય ૧૯૮૪ થી ૧૯૯૦ સુધી રહ્યા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, કટાર લેખક અને અનુવાદક હતા. તેમણે બાળવાર્તાઓ પણ લખી છે.