Satya Tv News

ઈરાનમાં ચાલી રહેલા પ્રદર્શનને રોકવા માટે ત્યાંની સરકાર હવે સગીરોને પણ મોતની સજા સંભળાવી શકે છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અનુસાર ઈરાને સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ત્રણ સગીરો પર આરોપી ઠેરવ્યા છે.

આ ત્રણ સગીરોને અન્ય કેટલાક લોકો સાથે મળીને તેહરાનમાં એક પોલીસ અધિકારીની હત્યા કરવા મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે તેમના પર ઈરાનના બાસીજ અર્ધલશ્કરી દળના સભ્યને છરી, પથ્થરો અને બોક્સિંગ ગ્લોવ્સથી માર્યા હોવાના આરોપ છે. તે પછી ઈરાનની રિવોલ્યુશનરી કોર્ટે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, જેમાં મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે.

જે કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મામલાઓને જુએ છે. ત્રણ સગીરોની તેહરાનવા કરાજમાં બુધવાર અને ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જજે કહ્યું હતું કે ત્રણ સગીર છોકરાઓ સામેના આરોપો અન્ય પુખ્ત વયના લોકો સાથે પણ ચલાવી શકાય છે. ઈરાની કાયદા અનુસાર રિવોલ્યુશનરી કોર્ટને સગીરોનો ટ્રાયલ કરવાની મંજૂરી નથી. ન્યૂઝ એજન્સી મિજાવ અનુસાર, આવું એટલા માટે થયુ કારણે કે સુનાવણી કરતા જજ ફોજદારી અને જુવેનાઈલ કેસો સંભાળવા માટે સક્ષમ હતા.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે ત્રણ સગીરોની ટ્રાયલને ખોટી ગણાવી છે. ઈરાનની સરકાર પર પ્રદર્શનોને ડામવા માટે ખરેખર ખોટી પદ્ધતિઓ અપનાવવાના આરોપ લાગી રહ્યા છે. ધ ગાર્ડિયનના એક અહેવાલ મુજબ વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ 60 બાળકોએ જીવ ગુમાવ્યા છે. જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. જેમાં 12 છોકરીઓ અને 46 છોકરાઓનો સમાવેશ થાય છે. ઈરાનમાં થયેલા દેખાવોનો કુર્દીસ્તાન ક્ષેત્રમાં ઘણો પ્રભાવ છે. એક માનવ અધિકાર ગ્રુપ અનુસાર, અત્યાર સુધીમાં 200 સગીરોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સરકાર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 300 સગીર ઘાયલ થયા છે.

સગીરો માટે મૃત્યુ દંડના પ્રતિબંધ પર યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન પર સહી કરી હોવા છતાં, ઈરાન તે ટોચના દેશોમાં છે જ્યાં આવું થાય છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર ઈરાનમાં 9 વર્ષની ઉંમર પાર કર્યા બાદ છોકરીઓને મોતની સજા થઈ શકે છે. છોકરાઓ માટે આ ઉંમર 15 છે. વર્ષ 2005 થી 2015 ની વચ્ચે લગભગ 73 બાળકોને મોતની સજા આપવામાં આવી છે. ફાંસીના માંચડે પહોંચતા પહેલા ઈરાનનો દરેક યુવક જેને મોતની સજા આપવામાં આવી છે તે સરેરાશ સાત વર્ષ જેલમાં વિતાવે છે. ઘણા કિસ્સાઓમાં તે 10 વર્ષ પણ છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને ફાંસીની સજા આપવા પર પ્રતિબંધ છે.

ઈરાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદથી વિશ્વના ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ સતત મૃત્યુદંડની સજા સામે વાંધો ઉઠાવ્યો છે. ગયા મહિને યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે પણ આ સજા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં 400 જેટલા લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2021માં 330 લોકોને મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે વર્ષ 2020માં આ સંખ્યા 276 હતી.

ઈરાનમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલ હિજાબ વિરોધી વિરોધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત વિરોધ પ્રદર્શનમાં સામેલ એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય 5 લોકોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેહરાન કોર્ટે ચૂકાદો સંભળાવતા વ્યક્તિને સજા ફટકારી છે, તેના પર સરકારી ઈમારતોમાં આગ લગાવવાના, રમખાણો ભડકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાના આરોપસર સામે ષડયંત્ર રચવાના આરોપો છે.

error: