Satya Tv News

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. ભોમેશ્વર વિસ્તારમાં પશુની અડફેટે નિવૃત્ત આર્મીમેન ચડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, રખડતા પશુના ત્રાસને ડામવા નક્કર કાર્યવાહી કરાશે. આ માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ કર્યો હતો.

રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન નવલસિંહ ઝાલા અને તેમની પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં નવલસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ બનાવને પગલે નિવૃત્ત આર્મીમેનના પરિવારજનોએ મનપા અને પોલીસને પશુઓને જાહેરમાં મુકનારા સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેથી પોલીસ દ્વારા અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેયર ડો.પ્રદીપ ડવે મીડિયાને જણાવ્યું હતું કે, આવો બનાવ બીજીવાર ન બને તે માટે હવે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર પકડવા માટે SRPની ટુકડી ફાળવવામાં આવી છે.

રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરની અડફેટે ચડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રખડતાં ઢોર મુદ્દે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટના શહેરીજનોમાં પશુઓના આતંક મામલે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોના જણાવ્યા અનુસાર, પશુઓને છુટા મુકનારાઓ સામે કાર્યવાહી જરૂરી છે. રાજકોટ એક માત્ર શહેરની આ સ્થિતિ નથી. રાજ્યના તમામ શહેરોમાં ઢોરનો આતંક આસમાને છે. આ અગાઉ લોકોની માંગને લઈ હાઇકોર્ટની ટકોર બાદ આખરે અમદાવાદ મનપાનું ઢોર નિયંત્રણ ખાતું કામે લાગ્યું છે. છેલ્લા સાડા આઠ મહિનામાં તંત્ર દ્વારા 13032 ઢોર પકડવામાં આવ્યા છે તો તંત્ર દ્વરા ઢોર માલિકો પાસેથી અત્યાર સુધીમાં 63.45 લાખનો દંડ વસુલાયો છે.

error: