આજના યુવાનોને એક ટંક જમ્યા વગર ચાલે પરંતુ મોબાઈલ વગર ચાલતું નથી. મોબાઈલની ઘણી આડઅસર પણ હોય છે. પરંતુ સુરતમાં મોબાઈલે યુવકનો જીવ લીધો છે. સુરતના કડોદરા ખાતે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે.
કડોદરા નગરમાં આવેલા ભંડારી કોમ્પ્લેક્ષના ચોથા માળે રહેતો રાજરાખન દેવીદિન સાકેત (19) કડોદરાની જયભવાની મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે મોડી રાતે 10:30ના અરરસામાં યુવાન જમીને મોબાઈલમાં મુવી જોતો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં જોતા જોતા ચોથા માળે ગેલેરી ઓળંગીને બીજા બિલ્ડીંગની ગેલેરીમાં જતો હતો. જે દરમિયાન યુવાન ચોથા માળેથી નીચે પટકાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
જે બાદ તાત્કાલિક સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવાનને પ્રથમ નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ યુવાનને વધુ સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે કડોદરા GIDC પોલીસે તપાસ હાથ ધરી છે.