વિદાય લઈ રહેલા વર્ષના અંતિમ દિવસ 31 ફર્સ્ટના દિવસે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા પાડોશી રાજ્યોમાંથી દારૂની મંગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે, વડોદરા શહેર અને જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે એલર્ટ થઇ ગયું છે. વડોદરા જિલ્લા SOG-LCBની ટીમોએ પેટ્રોલિંગ દરમિયાન પાદરાની મુજપુર ચેકપોસ્ટ પાસેથી ટ્રકમાં લોખંડની એંગલોની આડમાં લઈ જવાતો દારૂ અને રોકડા 40 લાખ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે શહેર PCBએ ગોલ્ડન ચોકડી પાસેથી ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો 12.66 લાખની કિંમતના દારૂ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
વડોદરા જિલ્લા SOGના પી.એસ.આઇ. એમ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, SOG-LCBનો સ્ટાફ જંબુસર-બોરસદ હાઇવે પર આવેલી મુજપુર ચેકપોસ્ટ ખાતે વાહનો ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન લોખંડની એંગલો લઈને પસાર થઈ રહેલા ટ્રકમાં તપાસ કરતા બિસ્મીલ્લાખાન મહંમદખાન પઠાણ(રહે. રાજા મહોલ્લો પઠાણવાડા, બોરસદ, જિ. આણંદ), મહંમદરફીક સફીમહંમદ મલેક (રહે. રાજા મહોલ્લો, પઠાણવાડા, બોરસદ, જિ. આણંદ) અને અલ્તાફ નસરૂલ્લાખાન પઠાણ (રહે. રાજા મહોલ્લો પઠાણવાડા, બોરસદ, જિ. આણંદ) પાસેથી બિન હિસાબી રોકડા રૂપિયા 40 લાખ, અંગ ઝડતી કરતા રૂપિયા 25 હજાર રોકડા મળી આવ્યા હતા. પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી
આ ઉપરાંત ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા 40,130ની કિંમતની દારુની 36 નંગ બોટલ, રૂપિયા 33 હજારની કિંમતની છૂટી બીડી મળી આવી હતી. પોલીસે ઝડપી પાડેલા બોરસદના ત્રણની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, દારુનો જથ્થો સરદાર (રહે. જલગાવ, મહારાષ્ટ્ર) નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો. અને દારૂનો જથ્થો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દંતેલી ગામના રહેવાસી રમેશ ઉર્ફ રામુ ડાહ્યાભાઇ પટેલે મંગાવ્યો હતો. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે પાદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર પી.સી.બી. શાખાના ઇન્ચાર્જ પી.આઇ. સી.બી. ટંડેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પી.સી.બી.ને માહિતી મળી હતી કે, મધ્ય પ્રદેશથી એક ટેમ્પોમાં જુના ફર્નિચરની આડમાં દારૂનો જથ્થો ભરીને ગોધરા-હાલોલ થઇ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે પી.એસ.આઇ. એમ.જી. કરડાણી, એસ.આર. પટેલ તેમજ સ્ટાફના એ.એસ.આઇ. હરીભાઇ, હે.કો. હેમરાજસિંહ, હે.કો. કાળુભાઇ, પો.કો. ભરતસિંહ અને પો.કો. મહોબતસિંહની ગોલ્ડન ટોલનાકા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી.
દરમિયાન હાલોલ તરફથી માહિતી પ્રમાણેનો ટેમ્પો આવતાજ તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પોમાં જુના ફર્નિચરની આડમાંથી રૂપિયા 12,66,000ની કિંમતની દારુની 2532 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારુનો જથ્થો, ટેમ્પોમાં ભરવામાં આવેલ ફર્નિચર, બે મોબાઇલ ફોન તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 17,83,170 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે સુખબીર ઉર્ફ બંટી બલવિરસિંગ ધાનક (રહે. ઇન્દાસર ગામ, રાજસ્થાન) અને સંદિપ મહેન્દ્રસિંગ ધાનક (રહે. ઇન્દાસર ગામ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે ગુડગાંવના રાજવિરસિંગને વોન્ટેડ જાહેર કર્યો હતો.
દારુના જથ્થા સાથે ઝડપાયેલા ટેમ્પો ચાલક સહિત બેની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ગુડગાવના રાજવીરસિંગે ભરાયો હતો. અને આણંદ ખાતે લઇ જવાનો હતો. આણંદમાં પહોંચ્યા બાદ દારુ ક્યાં લઇ જવાનો હતો. તે અંગે ફોન કરવાનો હતો. PCBએ આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નામચીન બુટલેગર રવિ ધોબી દ્વારા વિદેશી દારૂ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન તેમજ પાણીગેટ પોલીસના સ્ટાફે સંયુક્ત દરોડા પાડતા એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે રવિ ધોબીને વોન્ટેડ જાહેર કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશનર ઇ ડિવિઝનની ટીમને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે રહેતા રવિ શ્યામલાલ ધોબી દ્વારા એક સફેદ રંગની ડસ્ટર કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને મૂકવામાં આવ્યો છે. જે માહિતીના આધારે પોલીસે પૂનમ કોમ્પલેક્ષ પાસે દરોડો પાડતા જીજે 23 પાર્સિંગની કાર મળી આવી હતી જેમાં વિવિધ બ્રાન્ડની 252 નંગ વિદેશી દારૂની બોટલો મળી હતી.
પાણીગેટ પોલીસે લાખ 1,26,000 હજારની કિંમતનો વિદેશી દારૂ તેમજ ત્રણ લાખની કિંમતની કાર સહિત 4,26,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે બુટલેગર રવિ ધોબીને વોન્ટેડ જાહેર કર્યો હતો.