Satya Tv News

ભરૂચ જિલ્લાના જંબુસરની મુખ્ય બજારમાંથી પસાર થતી એક વિદ્યાર્થિનીની છેડતી કરનાર વેપારીને સ્થાનિક લોકોએ ભરબજારે મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે પોલીસ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ વેપારી પાસે માફીનામું લખાવી મામલો થાળે પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીના ત્રાસથી વિદ્યાર્થિનીએ શાળાએ જવાનું બંધ કરી દીધું હતું
જંબુસરની બજારમાં દુકાન ધરાવતો વેપારી અહીંથી પસાર થતી વિદ્યાર્થિનીની દરરોજ છેડતી કરતો હતો. દુકાનદારના ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ શાળાએ જવાનું જ બંધ કરી દીધું હતું. પરિવારજનોએ જ્યારે દીકરીને કારણ પૂછ્યું તો દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને વેપારીની ફરિયાદ કરી હતી.

પરિવારજનોએ વેપારીને છેડતી કરતા રંગેહાથ ઝડપ્યો
વિદ્યાર્થિનીની આપવીતી જાણ્યા બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ આજે જંબુસરની બજારમાં વેપારીને છેડતી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ હાથમાં કાયદો લઈ લાકડી વડે વેપારી પર તૂટી પડ્યા હતા અને ભરબજારે મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટનાના પગલે બજારમાં સોંપો પડી ગયો હતો.

શું છે વાઈરલ વીડિયોમાં?
વેપારીને મેથીપાક ચખાડતો પોણી મિનિટનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ત્રણથી ચાર લોકો વેપારીને પકડીને ઉભા છે જ્યારે અન્ય લોકો લાકડી અને થપ્પડો વરસાવી રહ્યા છે. જંબુસરની બજારમાં થયેલી મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ગંભીર ઘટના મામલે ફરિયાદ ન નોંધાતા આશ્ચર્ય
વિદ્યાર્થિનીની છેડતી જેવી ગંભીર ઘટના બની હોવા છતા આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.આ મામલો પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આ મામલે વેપારી પાસે માફીનામું લખાવી સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યું છે.

error: