ભારત-ચીન સરહદની નજીક નોર્થ સિક્કિમમાં ભારતીય સેનાનો ટ્રક ભીષણ રોડ દુર્ઘટનાનો શિકાર થઈ ગયો અને તેમાં 16 જવાનો શહીદ થઈ ગયા છે.
નવી દિલ્હી: ભારત-ચીન સરહદની નજીક નોર્થ સિક્કિમમાં ભારતીય સેનાનો ટ્રક ભીષણ રોડ દુર્ઘટનાનો શિકાર થઈ ગયો અને તેમાં 16 જવાનો શહીદ થઈ ગયા છે. કહેવાય છે કે શુક્રવારે અચાનક આ ટ્રક રોડ પરથી લપસીને ખીણમાં પડ્યો હતો. આ દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે, જ્યારે 4 જવાન ઘાયલ થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઘાયલોને ઉત્તરી બંગાળની એક સૈન્ય હોસ્પિટલમાં હવાઈ માર્ગેથી લઈ જવામાં આવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરી સિક્કિમમાં એક રોડ દુર્ઘટનામાં ભારતીય સેનાના જવાનોના જીવ જવા તે દુખદાયક છે. રાષ્ટ્ર તેમની સેવા અને કટિબદ્ધતા માટે હ્દયથી આભારી છે. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. જે લોકો ઘાયલ થયા છે, તેમને શીધ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.
દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનના કાફલામાં જોડાયેલું હતું. જે ચટ્ટનથી સવારે થંગૂ તરફ જઈ રહ્યો હતો. જેમાના રસ્તામાં ટ્રક એક સાંકડા વળાંક પર ઢાળની નીચે પડ્યો. રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે. 4 ઘાયલ સૈનિકોને હવાઈ માર્ગે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.