ભરૂચમાં 2 ઘરોમાંથી ચોરોનો રૂ.15.46 લાખનો હાથફેરો
પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કર્યો હાથફેરો
તસ્કર ટોળકીના આતંકથી લોકોમાં ભય
ભરૂચ સી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી હરિ બંગ્લોઝના બે મકાનોને નિશાચરોએ નિશાન બનાવી પરિવારના લગ્નમાં જવાની મઝા બગાડી હતી. તસ્કરો બે મકાનમાંથી 15.46 લાખની માલમત્તા પર હાથફેરો કરી જતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે આવેલાં શ્રી હરી બંગ્લોઝ ખાતે રહેતાં ચૈતન્યસિંહ ગણપતસિંહ રણા તેમજ તેમનો પરિવાર વડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં ગયાં હતાં. જ્યાંથી રાત્રીના 10 વાગ્યાના અરસામાં તેઓ પરિવાર સાથે પરત ઘરે આવ્યાં હતાં. તેમણે ઘરનો દરવાજો ખોલી અંદર જતાં મંદિરવાળ રૂમનો દરવાજો ખુલ્લો હોવાનો તેમજ તેમાં મુકેલી તિજોરીનો લોક તુટેલું જણાયું હતું.
ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. તેમણે તપાસ કરતાં ઘરરમાંથી રોકડા રૂપિયા 90 હજાર તેમજ સોના-ચાદીના 235 ગ્રામ 22 કેરેટના સોનાના 13.12 લાખની મત્તાના દાગીના તેમજ 70 હજારની મત્તાના 960 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 14.72 લાખની મત્તાનો સામાન ચોરી થઇ ગયો હતો.
તેઓ હજી તેમના ઘરમાં થયેલી ચોરીના કારણે આસપાસમાં તપાસ કરી રહ્યાં હતાં. ત્યાં તેમને જાણ થઇ હતી કે, તેમના ઘરની પાછળ જ રહેતાં સુનિલ રામપ્રતાપ પ્રજાપતિના ઘરમાં પણ ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. સુનિલ પ્રજામપતિ સવારે 8 વાગ્યેથી સાંજના 7.30 કલાક સુધી નોકરીએ ગયાં હતાં.
તે જ વેળાં દિવસ દરમિયાનમાં તેમના ઘરના પાછળના દરવાજાનું તાળું તોડી તેમના ઘરમાંથી પણ રોકડા રૂપિયા 15 હજાર તથા 60 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ 75 હજારની ચોરી થઇ હતી. બન્ને ઘટનાઓને લઇને ચૈતન્યસિંહ રણાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ