ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં વાવ ફળિયામાં પાડોશી દંપતી અને તેમના ત્યાં આવેલા મહેમાન દંપતીએ માતાની નજરો સમક્ષ પુત્રને લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે.
શહેરના લીમડી ચોક વિસ્તારમાં એલીશ જિન નજીક વાવ ફળિયામાં 56 વર્ષીય વિધવા મહેન્દ્રકોર ગોસાઈ તેમના નાના પુત્ર 34 વર્ષીય ગોવિંદ ઉર્ફે છોટુ સાથે રહેતા હતા. માતા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે જ્યારે નાનો પુત્ર ભંગાર ઉઘરાવવાનો ધંધો કરતો હતો. મોટા પુત્ર શ્યામનું 10 વર્ષ પેહલા જ કમળામાં મૃત્યુ થયું હતું.એકાએક ઝઘડાનો અવાજ આવતા મહેન્દ્રકોર ઘરમાંથી બહાર નીકળતા તેમના દીકરાને પાડોશી બળવંત વણકર તેની પત્ની કલ્પનાબેન અને તેમના ત્યાં આવેલા રમણભાઈ પરમાર અને તેમની પત્ની મણીબેન માર મારતા હતા.
પુત્રને છોડાવવા જતા માતાને પણ આ ચાર લોકોએ માર માર્યો હતો. દરમિયાન ગોવિંદને બળવંતભાઈએ માથામાં લાકડાનો સપાટો ઝીંકી દેતા તે જમીન ઉપર પડી ગયો હતો. તે બાદ પણ આ પાડોશી દંપતી અને તેમના ત્યાં આવેલા મહેમાને યુવકને માર મારવાનું ચાલુ રાખતા. માતાએ બુમરાણ મચાવતા બાજુમાં જ રહેતા મોટા દીકરાની પત્ની અને પૌત્ર દોડી આવ્યા હતા.જમીન ઉપર ઢળી પડેલા પુત્ર ગોવિંદને રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માતાએ પાડોશી દંપતી સહિત તેમના ત્યાં આવેલા મહેમાનો સામે પુત્રને માર મારી મોત નિપજાવવાની ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે