Satya Tv News

ભરૂચ – નર્મદા જિલ્લામાં 25 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું : કમોસમી વરસાદથી ખેડૂતોને હૈયાહોળી, દેડિયાપાડામાં કરાં પડયાં

ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહયાં હતાં તેવામાં સોમવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ અડધો કલાકમાં તબાહી મચાવી દીધી હતી. બંને જિલ્લાઓમાં ધુળની ડમરીઓ ઉડતાં ઝીરો વિઝિબીલીટીનો માહોલ થઇ ગયો હતો. ભારે પવનોના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થઇ ગયાં હતાં. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું હતું જયારે એક બાળકી અને મહિલાને ઇજા પહોંચી છે.

જંબુસરમાં પતરાનો શેડ 25 ફૂટ દૂર ફંગોળાઇ દુકાનને ટકરાયો
ભરૂચ જિલ્લાના જંબુસરમાં વાવાઝોડાની તીવ્રતા વધારે હતી. એસ.ટી ડેપો વિસ્તારમાં દૂધવાળા શોપિંગ સેન્ટર ઉપરભારે પવનના લીધે પતરા નો શેડ 25 ફૂટ સામે બોમ્બે બિરયાનીની દુકાન માં શટર સાથે અથડાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

રાજપીપળાની કરજણ કોલોનીમાં પતરા ઉડતાં લોકોમાં નાસભાગ
નર્મદા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને કાચા મકાનો તુટી પડયાં હતાં. કરજણ કોલોની માં ઘરોના પતરા ઉડ્યા હતાં. મફતભાઇ રાણાના મકાનના પતરા ઉડી જતાં તેમને આર્થિક નુકશાન થયું છે. અનેક લોકોને ઘર રીપેર કરાવવા પડે તેવી સ્થિતિ છે.

કઠોળ અને કેરીના પાકને નુકસાન
હોળીના દિવસે જ વાવાઝોડા અને વરસાદનો પ્રકોપ જોવા મળ્યો હતો. 25 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આંબા પરથી કેરીઓ તથા મોર ખરી જતાં નુકશાનની ભિતિ છે. બીજી તરફ કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલાં કઠોળના પાકને માઠી અસર થઇ શકે છે. ખેતરોમાં પાક તૈયાર થઇ ગયો છે તેવામાં ખેડૂતોને કુદરતનો માર પડયો છે.

error: