જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો છે. ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાનો ભત્રીજો છે. અત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
પહેલાં બાઇક અથડાવ્યું, બાદમાં ફાયરિંગ કર્યું
વંથલીના રવની ગામમાં રહેતો સલીમ સાંઘ મોડી રાત્રે તેના મિત્ર સાથે પોતાના ખેતરેથી પરત આવી રહ્યો હતો, ત્યારે ગામના પાદરમાં બે બુકાની ધારી ઈસમોએ સલીમ સાંઘને બાઇક અથડાવી તેને પછાડી દીધી હતો અને ત્યારબાદ સલીમ કંઇ સમજે એ પહેલાં જ ધડાધડ ગોળીઓ વરસાવી હતી. એકથી વધારે ફાયરિંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંને બુકાનીધારી ઈસમો ત્યાંથી ભાગી છૂટયા હતા. આ બાબતની જાણ ગામ લોકોને થતા ગામના લોકો ભેગા થઈ થઈ ગયા હતા.

હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા
ફાયરિંગમાં ગંભીર રીતે ખવાયેલા યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફાયરિંગની જાણ થતા જ સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સલીમ સાંઘને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ કાફલો તૈનાત
ઘટનાની જાણ થતા જૂનાગઢ જિલ્લા એસ.પી. રવિ તેજા, વાસમ શેટ્ટી અને વંથલી પોલીસ સ્ટાફ રવની ગામે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક સલીમ સાંઘ એ રવની ગામના કુખ્યાત શખ્સ જુસબ અલ્લારખાનો ભત્રીજો થાય છે, જુસબ અલ્લારખા હાલ હત્યાના કેસમાં જેલમાં છે. હાલ તો જૂનાગઢ પોલીસે હત્યા મામલે અલગ અલગ ટીમો બનાવી હત્યાના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.