પાલેજમાં નર્મદા વેલી રબર ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી મચી
રબર ફેકટરીમાં લાગેલી આગમાં રબરનો જથ્થો સળગી ઉઠ્યો
નગરપાલિકાનું ફાયર ટેન્કર ઘટના સ્થળે આવી પહોંચ્યું
જાનહાની ન સર્જાતા લોકોએ અનુભવ્યો હાશકારો
પાલેજ સ્થિત જીઆઇડીસી માં આવેલી નર્મદા વેલી રબર ફેકટરીમાં સવારના સમયે અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રબર ફેકટરીમાં લાગેલી આગમાં રબરનો જથ્થો સળગી જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ ભરૂચ ફાયર વિભાગને કરાતા નગરપાલિકાનું ફાયર ટેન્કર તેમજ અન્ય એક ઝનોર એન ટી પી સી નું ફાયર ટેન્કર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ. ભરૂચ ફાયર વિભાગના કર્મીઓએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ કોઈ અગમ્ય કારણોસર લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાલેજ સ્થિત જીઆઇડીસી માં ઘણી ફેક્ટરીઓ આવેલી હોઈ આગ અથવા આકસ્મિક ઘટના સર્જાય છે ત્યારે ફાયર ટેન્કરની સુવિધા ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો પાલેજ જેવા વિકસિત મથકને ફાયર ટેન્કરની સુવિધા આપવા લોક માગ ઉઠવા પામી છે…
વિડીયો જર્નાલિસ્ટ યાકુબ પટેલ સાથે સત્યા ટીવી પાલેજ