
સુરતમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોરી કરી લેતી ટોળકીને સુરતની સલાબતપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા-મોપેડ મળી કુલ 2.05 લાખનો મુદામાલ કબજે કરી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.
સુરત શહેરમાં રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતી ટોળકી સક્રિય થઇ હતી. આવી ટોળકી પેસેન્જરોને રિક્ષામાં બેસાડતી હતી અને બાદમાં આગળ પાછળ ખસવાનું કહી તેઓની નજર ચૂકવી રોકડ રકમ સહિતનો સમાન ચોરી કરી લેતી હોવાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાતી હતી. ત્યારે સલાબતપુરા પોલીસે આવી જ એક ટોળકીને ઝડપી પાડી છે. સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે લીંબાયત ખાતે રહેતા આસિફ ઉર્ફે ઐયા અજીજ શેખ, અફઝલ ઉર્ફે ખજુર અલાઉદિન શેખ અને સલાબતપુરા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખને ઝડપી પાડ્યા હતા. આ ત્રણની પૂછપરછ કરી અન્ય ચાર મળી કુલ 7 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 55 હજારની રોકડ, ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલી 1 લાખની કિંમતની એક રિક્ષા તેમજ ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલી 50 હજારની એક મોપેડ મળી કુલ 2.05 લાખની મત્તા કબજે કરી હતી. વધુમાં પોલીસ તપાસમાં પુણા અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.
વધુમાં ઝડપાયેલા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી અફઝલ ઉર્ફે ખજૂર સામે 4 ગુના અને પાસા હેઠળ અટકાયત પણ થઇ છે. તેમજ ઈમરાન ઉર્ફે સોનુ સામે સલાબતપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો.
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે પકડાયેલા ત્રણેય આરોપીઓ તેના અન્ય બે સહ આરોપીઓ સાથે મળી બચતની ઓટોરિક્ષા લાવી રિક્ષા ડ્રાઈવરને પોતાની પાસેની મોપેડ આપી રિક્ષાની આગળ પાઈલોટિંગમાં રાખતા. પોતે આરોપીઓ જ ડ્રાઈવર તથા પેસેન્જર તરીકે અગાઉથી રિક્ષામાં બેસી રોડ ઉપરથી પસાર થતા ભોળા માણસોને રીક્ષામાં બેસાડી તેઓને આગળ પાછળ કરી પેસેન્જરોના ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોરી કરી લેતા હતા. જે બાદ ચોરી કરેલા રૂપિયા રિક્ષાની પાછળ પાઈલોટિંગ કરતી મોપેડમાં તેના સહ આરોપીઓને આપી દેતા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.