Satya Tv News

તારીખ ૧૪મી એપ્રિલ ૧૯૪૪ ના દિવસે ઈંગ્લેન્ડથી આવેલા અને મુંબઈ ડોકયાર્ડમાં લંગારેલા એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન નામનાં જહાજમાં સોનાની પાટો, ૧૪૦૦ ટન વિસ્ફોટક પદાર્થો– દારૂગોળો, ૨૪૦ ટન ટોર્પીડો અને લડાયક શસ્ત્રો, રૂની ગાંસડીઓ, લાકડું, ઓઈલ તેમજ અન્ય ખુબ જ જ્વલનશીલ પદાર્થો ભરેલા હતા. આ દરમિયાન જહાજમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી હતી.

જેને લીધે આજુબાજુમાં રહેલા ૧૩ કરતાં વધુ મોટાં જહાજો આગ અને વિસ્ફોટની લપેટમાં આવીને સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતા અને કેટલાય નાના નાના જહાજો ડૂબી ગયા હતા. આગ એટલી હદે પ્રચંડ હતી કે તેની ધ્રુજારી મુંબઇથી ૧૦૦૦ માઈલ દુર આવેલા શિમલા સુધી અનુભવાઈ હતી. આ લાગેલી ભયાનક આગને ઓલવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ સાલ્વેજ કોર્પ્સ, પોર્ટ ફાયર બ્રિગેડની સાથે અન્ય ફાયર સર્વિસ પણ જોડાઈ હતી. આ આગને બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ સાલ્વેજ કોર્પ્સ અને પોર્ટ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જીવની પરવા કર્યા વગર દેશની માલ- મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનની આહુતિ આપી શહીદ થયા હતા. તેમની સાથે આશરે ૮૦૦ કરતા પણ વધારે વ્યક્તિઓના જીવ ગયા હતા.

આ બનેલી દુઃખદ અને ગંભીર ઘટનાને પગલે ભારત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૬૫ ની સાલથી દર વર્ષે ૧૪મી એપ્રિલને તમામ નામી –અનામી શહીદ થયેલાં ફાયરબ્રિગેડના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે. તેમજ ૧૪મી એપ્રિલથી ૨૦મી એપ્રિલ સુધી સમગ્ર સપ્તાહને અગ્નિશમન સપ્તાહ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર અઠવાડિયા દરમિયાન અગ્નિ સલામતી માટેના અલગ અલગ પ્રોગ્રામ જેમ કે અગ્નિ સુરક્ષાને લગતી તાલીમ, આગના સમયમાં જે તે ઈમારત કે જગ્યામાંથી સલામતી પૂર્વક સલામત સ્થળે પહોંચવાની ડ્રિલ, અલગ અલગ પ્રકારની હરીફાઈઓ કરીને દેશવાસીઓને અગ્નિ સલામતી પ્રકારની માટે માહિતગાર કરવામાં આવે છે.

error: