Satya Tv News

 ભાગેડુ અમૃતપાલ સિંહની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી ત્યારે જ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી, પોલીસ દ્વારા પૂછપરછ શરૂ

  • ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની અટકાયત 
  • અમૃતપાલની પત્નીની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત
  • કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી ત્યારે કરાઇ અટકાયત 
  • અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ 

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. વિગતો મુજબ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. જોકે અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના સેંકડો સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.

અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની NRI કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે. કિરણદીપ અને અમૃતપાલના લગ્ન  ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા તરીકે જવાબદારી સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા.

પંજાબ પોલીસે ગત દિવસોમાં તેની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. આ તપાસ અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે કથિત વિદેશી ફંડિંગના સંદર્ભમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, અમૃતપાલને 35 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, પંજાબ પોલીસ ફંડિંગ મિકેનિઝમની ખાતરી કરવા માટે અમૃતપાલ, તેની પત્ની, પિતા અને અન્ય સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમૃતપાલ સિંહે વિદેશી સ્ત્રોતોમાંથી મળેલા પૈસા ખર્ચીને પોતાના અને તેના માણસો માટે નવી એસયુવી ખરીદી હતી.

અમૃતપાલ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.

અમૃતપાલ પહેલીવાર 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના નજીકના મિત્રને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે અજનલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પછી તેણે ઘણી ટીવી ચેનલોમાં આપેલા ઈન્ટરવ્યુમાં અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. એટલું જ નહીં અમૃતપાલે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. અમૃતપાલની તુલના ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલે સાથે પણ કરવામાં આવી રહી છે. 

એજન્સીઓને અમૃતપાલ વિરુદ્ધ તપાસ દરમિયાન ISI કનેક્શન પણ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલ સિંહના આઈએસઆઈ સાથે નજીકના સંબંધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસ્થિર કરવા માટે તેને યુવા શીખોને તેની નીચે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર હથિયારો ઉપરાંત તેણે વિદેશી ખાલિસ્તાની સહાનુભૂતિ રાખનારાઓ પાસેથી મળેલા પૈસાથી 35 બુલેટપ્રૂફ જેકેટ પણ ખરીદ્યા હતા.

error: