
મુંબઇ: સલમાન ખાનની લાંબા સમયથી રાહ જોવાઇ રહેલી ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન શુક્રવારે ૨૧ એપ્રિલના ઇદના તહેવારે રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ નિર્માતાને આ દિવસે રિલીઝ કરવાનો તુક્કો જ ભારી પડી ગયો છે. ભારતમાં ઇદ શુક્રવારની બદલે શનિવારે ઊજવવામાં આવી છે. જેથી શુક્રવારે લોકો પોતાના તહેવારમાં વ્યસ્ત થઇ ગયા હતા. પરિણામે આની અસર બોક્સઓફિસ પરના કલેકશન પર પડી છે.કરોના પછી સમય બદલાઇ ગયો છે. છેલ્લા ૧૮ મહિનાની વાત કરીએ તો ટોચના સ્ટાર્સની બિગ બજેટ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી શકી નથી.
આ ફિલ્મને દુનિયાભરના ૫૭૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મની શરૂઆત ધીમી રહી છે. શરૂઆતના આંકડાના અનુસાર આ ફિલ્મે દુનિયાભરમાં ૩૦ કરોડ રૂપિયા સુધીની જ કમાણી કરી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પહેલા દિવસે આ ફિલ્મ જોવાનો દર્શકોનો ઉમળકો ઓછો દેખાયો હતો.હવે નિર્માતાની આશા શનિવારની ઇદ અને રવિવારની વાસી ઇદ પર ટકી છે.આ દિવસે લોકો થિયેટરમાં કિસી કા ભાઇ કિસી કી જાન જોવા જાય તેવી શક્યતા છે. જો આમ થશે તો આ ફિલ્મનું કલેકશન ૧૫ કરોડ રૂપિયાથી વધી શકે એમ છે. મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મનું કલેકશન બહુ ઓછું જોવામાં આવ્યું છે. જે પણ આંકડા જોવા મળ્યા છે તે સલમાન ખાનના સ્ટાર પાવરના કારણે છે.
સલમાન ખાનની કિસી કા ભાઇ કિસી કી જાન રિલીઝ થવા પહેલા તેના કલેકશન પર લોકોને બહુ આશા હતી.