Satya Tv News

સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના જાહેરનામાના 7 વૈકલ્પિક માર્ગ પણ દુરસ્ત નહિ

ભરૂચ શહેરની પ્રજા અને વાહન ચાલકો માટે આગામી 2 થી 4 વર્ષ ટ્રાફિકજામનો વિકરાળ ભરડો લોકોને ભમરડે ફેરવશે.

MG રોડ પર સેન્ટ ઝેવિયર્સ થઈ મહંમદપુરા – જંબુસર બાયપાસ માર્ગ પર 1560 મીટર લાંબા ₹61.89 કરોડના ત્રિ પાખીયા 44 પિલર પર ફલાયઓવર બનવાનો છે.

ફલાયઓવરનું જાહેરનામું જારી કરી દેવાયું છે. સ્ટેશનથી જંબુસર બાયપાસ જતો માર્ગ 2 વર્ષ માટે બંધ કરવામાં આવતા તંત્ર દ્વારા 7 વૈકલ્પિક માર્ગો પરથી વાહન વ્યવહારની અવર જવર માટે રજૂ કરાયા છે.

જોકે આ વૈકલ્પિક માર્ગો પણ દુરસ્ત ન હોય તેમજ તેના પર પણ આગામી બે વર્ષમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનવાની દહેશત રહેલી છે.

બીજી તરફ ₹420 કરોડના ખર્ચે દહેજ બાયપાસ પર એલિવેટેડ સાડા 3 કિમી લાંબો ફલાય ઓવર નિર્માણ થવાનો છે. જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થતાં આ રસ્તો પણ 2 વર્ષ માટે બંધ કરતું જાહેરનામું જારી થશે.

આવા સમયે 2 ફલાયઓવરને લઈ ડાયવર્ઝન રૂટો કરતા મહામારી સમયથી બંધ રેલ રૂટ વધુ સાર્થક સાબિત થઈ શકે છે. તંત્ર ભરૂચ – દહેજ મેમુ પેસેન્જર ટ્રેન સેવા આ સમયગાળામાં ફરીથી કાર્યરત કરાવે તો વેજલપુર, મહમદપુરા, જંબુસર બાયપાસ, સમની, દેરોલ, દહેજ તરફ જવા આવવા લોકોને ટ્રાફિકમાં ફસાયા વગર સરળ, સસ્તો, ઝડપી ટ્રેન માર્ગ મળી શકે તેમ છે.

error: