Satya Tv News

પર્યાવરણ વાદીઓ માં ચિંતાની લકીર

GPCB ની તપાસ ની રાહ જોતુ પ્રદુષિત પાણી!!!

વાગરા ના સાયખાં માં કેમિકલયુક્ત પાણી ગટર અને GIDC ના ખુલ્લા પ્લોટમાં પ્રસરી ગયેલુ જોવા મળતા ચિંતા નો વિષય બનવા પામ્યો છે.જો GPCB આ બાબતે તપાસ કરે તો ખરેખર કંઈ કંપની નું પ્રદુષણ યુક્ત પાણી છે એની ખબર પડી જશે.જો કે કેમિકલયુક્ત પાણી ને પગલે પર્યાવરણ વાદીઓની ચિંતા માં વધારો થવા પામ્યો છે.


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દિન પ્રતિદિન નવી નવી કંપનીઓ આકાર લઇ રહી છે તે સ્થાનિક રોજગારી અને ઉક્ત વિસ્તાર ના વિકાસ માટે સારી બાબત લેખી શકાય.પરંતુ કંપનીઓ વધવા સાથે પંથકમાં જળ અને વાયુ પ્રદુષણ માં વધારા ની લોકબૂમો ઉઠવા પામી છે.અત્રે નોંધનીય છે કે સાયખાં કેમિકલ ઝોન માં ચાલી રહેલ ઇકોફાઇન કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની બાઉન્ડરી વોલ ની લગોલગ અડી વરંડા ની સમાંતરે ખુલ્લી ગટર આવેલ છે.તેમાં વિચિત્ર કલર નું કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યુછે.આ પાણી દૂર દુર સુધી ગટરમાં સહિત જી.આઈ.ડી.સી. ના ખુલ્લા પ્લોટ માં પણ પ્રસરી રહ્યુ છે.ત્યારે અત્રે સવાલ એ ઉભો થાય છે કે આ રીતે ખુલ્લા માં કેમિકલ વાળું પાણી કોણ છોડી રહ્યુ છે….??? આ રીતે ખુલ્લામાં દૂષિત અને જમીન ને નુકશાન કર્તા કેમિકલ યુક્ત પાણી નું ખુલ્લામાં નિકાલ કરવાની સત્તા કયા ઉદ્યોગ ને અપાઈ છે અને તે કોના આશિર્વાદ થી ખુલ્લા કાંસ માં પાણી ઠાલવી રહ્યુ છે તે બાબત તપાસ માંગી લે એમ છે.


શું આ બાબત થી જી.પી.સી.બી અજાણ છે??કે જાણી ને પણ અજાણ બને છે તે તો ખુદ જી.પી.સી.બી.જ સુપેરે જણાવી શકે તેમ છે.તો બીજી તરફ કેટલાક ઉદ્યોગો દ્વારા નામ ન આપવાની શરતે જણાવાયુ હતુ કે આ પાણી ઇકોફાઇન કલર કેમ કંપની દ્વારા જ છોડવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપો પણ કરાયા છે.જો કે આ બાબતે જી.પી.સી.બી.ત્વરિત તપાસ હાથ ધરે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય તેમ છે.પરંતુ હાલ તો ઉક્ત વિસ્તાર ના પર્યાવરણ વાદીઓ માં પ્રદુષણ યુક્ત પાણી ને લીધે આસપાસ ની જમીન ને થઈ રહેલા વ્યાપક નુકશાન ને કારણે આવી પ્રવૃત્તિ કરતા ઉદ્યોગો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ફેલાઇ જવા પામ્યો છે.

ઝફર ગડીમલ – સત્યા ટીવી,વાગરા.

error: