અમદાવાદ: બકરી ઇદના તહેવારને અનુલક્ષી મુસ્લિમ વિસ્તારોમાંથી કુરબાની વેસ્ટનો નિકાલ કરવા મ્યુનિ.એ વિવિધ વ્યવસ્થા ગોઠવી હતી અને સાંજ સુધીમાં ૧૯૩ ટન જેટલા કુરબાની વેસ્ટનો ડમ્પ સાઇટ ખાતે નિકાલ કરાયો હતો.
મ્યુનિ. સોલિડ વેસ્ટ ખાતાના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીનાં જણાવ્યા અનુસાર, શહેરનાં કોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રાણીઓની કુરબાની આપવામાં આવતી હોવાથી સોલિડ વેસ્ટ ખાતા દ્વારા ૧૭૦થી વધુ સ્પોટ પર ૪૫૦થી વધુ બેરલ મૂકવામાં આવ્યા હતાં. ઘરે ઘરે પત્રિકા અને પ્લાસ્ટિકની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.
તેમણે કહ્યું કે, નાના સ્પોટ પરથી કુરબાની વેસ્ટ મોટા વાહનના છ સ્પોટ ખાતે લાવવામાં આવતો હતો અને ત્યાંથી પીરાણા ડમ્પ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવતો હતો.કુરબાની વેસ્ટના નિકાલ માટે ૧૨૦૦થી વધુ સફાઇ કામદારો, ૨૫૦ વધારાના મજૂરો, ૬૦થી વધુ લોડિંગ રિક્ષા, ૪૫ ૪૦૭ ટેમ્પા તથા ૩૦ આઇવા ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુરબાની વેસ્ટ એકત્ર થતો હોય તેવી જગ્યાઓએ જંતુનાશક દવાઓ તેમજ ફિનાઇલ વગેરેનો છંટકાવ કરવામાં આવ્યો હતો.