મેઘાડંબરની સાથે આકાશે ચમકતી રહેતી વીજળી ધરતી પર ઉતરતાં દહેગામ પંથકમાં ચાર પશુના મોત નોંધાયા છે. જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીના જણાવવા પ્રમાણે બુધવારની સાંજના સમયે વીજળી પડવાના બનાવો બનવાના પગલે હાલિસા અને સાણોદા ગામમાં એક-એક ભેંસના અને નાના જલુન્દ્રા ગામમાં બે બળદના મોત થયા હતાં.
એક જ દિવસે થયેલા ચાર પશુના મોતને લઇને તંત્ર હરકતમાં આવ્યુ હતું અને પશુ ચિકિત્સા અધિકારી દ્વારા પોસ્ટમોર્ટમના રિપોર્ટ સાથે પશુપાલકોને નાણાંકિય સહાય ચૂકવવા માટેની દરખાસ્ત પણ જિલ્લા તંત્રને મોકલી આપવામાં આવી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડા. એસ. આઇ. પટેલના જણાવવા પ્રમાણે દહેગામ તાલુકાના હાલિસા ગામની સીમમાં સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં આકાશી વીજળી ખાબકવાના પગલે રાકેશભાઇ લખાજી ચૌહાણની ભેંસનું મોત થયુ હતું. જ્યારે તેના પહેલા સાણોદા ગામમાં વીજળી પડવાના પગલે રઇજીજી મણાજી ઠાકોરની ભેંસનું મોત થયુ હતું. અન્ય એક બનાવમાં દહેગામ પંથકના જ નાના જલુન્દ્રા ગામની સીમમાં વીજળી પડવાના પગલે સોમાજી રતાજી ઠાકોરના બે બળદના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.