નાશિકથી એક કેસની તપાસ કરવા જઇ રહેલી આર્થિક ગુના શાખાની ટીમની ગાડી પર ઝાડ તૂટી પડતા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, (એપીઆઇ) અને ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘાયલ પોલીસ કર્મચારીઓને સ્થાનિક લોકોની મદદથી વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
નાશિક શહેરના ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાના એપીઆઇ સુદર્શન દાતીર પોલીસ ટીમ સાથે જળગાવના અરંડોલ કાસોદા ખાતે એક ગુનાની તપાસ માટે જઇ રહ્યા હતા. આ ટીમ અંજની ડેમ નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે તેમની ગાડી પર ઝાડ તૂટીને પડયું હતું.
આ બનાવમાં દાતીર અને ડ્રાઇવર અજય ચૌધરીનું મૃત્યુ થયું હતું. જ્યારે ચંદ્રકાંત શિંદે, નિલેશ સૂર્યવંશી, ભરત જેથવે આ ત્રણ કર્મચારી ગંભીરપણે જખમી થયા હતા. ઇજાગ્રસ્તને અરંડોલ ગ્રામિણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા કાસોદ પોલીસ અને સ્થાનિક લોકો મદદ માટે ધસી ગયા હતા. તેમણે ગાડીમાંથી ઇજાગ્રસ્તને બહાર કાઢીને બચાવી લીધા હતા.
મૃતક પોલીસ ઓફિસરનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. એપીઆઇ સુદર્શન દાતીરના પરિવારમાં માતા, પિતા, ભાઇ, બહેન, પત્ની, આઠ મહિનાની પુત્રીનો સમાવેશ છે.