આકાશ પોલીફિલ્મ નામની કંપનીના મટીરીયલ ચોરી
કંપનીમાં ખુલ્લી જગ્યામાં રાખેલની સામાની ચોરી
યાર્ડમાં બે અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીની એક કંપનીમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રુ.એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે લખાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા જીઆઇડીસીની આકાશ પોલીફિલ્મ પ્રા.લિ.નામની ક્પનીમાં પ્લાસ્ટિકની પેકેજિંગ ફિલ્મ બનાવવાનું કામકાજ ચાલે છે. કંપનીના મટીરિયલ યાર્ડમાં ૩૦ નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપ રાખવામાં આવ્યા હતા. ગત તા.૩૦ મીના રોજ રાતના સાડા દસ વાગ્યાના અરસામાં કંપનીના મટીરીયલ યાર્ડમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. કંપનીના ઓપરેટર દ્વારા જાણ થઇ હતીકે કંપનીના મટીરીયલ યાર્ડમાં ચોર આવ્યા હતા,અને કંપનીના સિક્યુરિટી ગાર્ડ તેમજ સ્ટાફના માણસોએ મટીરીયલ યાર્ડ ખાતેની ખુલ્લી જગ્યાએ જઇને જોતા બે અજાણ્યા ઇસમો કંપનીની પાછળના ભાગે આવેલ ફેન્સીંગ દિવાલ કુદીને ભાગી ગયેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ મટીરીયલ યાર્ડમાં તપાસ કરતા ત્યાં રાખવામાં આવેલ સ્ટેનલેસ સ્ટીલના કુલ ૩૦ નંગ પાઇપ માંથી ૬ નંગ પાઇપ ચોરાયા હોવાની જાણ થઇ હતી. આ ઘટનાને લઇને કંપનીના સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. કંપનીના મટીરીયલ યાર્ડમાંથી રુ.૧૦૭૫૫૦ ની કિંમતના સ્ટેનલેસ સ્ટીલના ૬ નંગ પાઇપની ચોરી બાબતે કંપનીના ડીસ્પેચ ઓફિસર વિરેન્દ્રસિંહ જશવંતસિંહ રાજપુત રહે.ગામ મોટા સાંજા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે કંપનીમાં ચોરી કરનાર બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા