Satya Tv News

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં 3 ઈંચ ખાબક્યો છે. આ સાથે ધોધમાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.

નવસારીમાં મેઘમહેર વચ્ચે ઉપરવાસમાં વરસાદથી નદીઓ ભયજનક સપાટીએ છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીમાં જળસ્તર વધતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ તરફ કાવેરી નદી પરનો કોઝવે ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે કોઝવે પર પાણી ફરી વળતાં ચીખલીથી હરણ ગામનો રસ્તો બંધ થયો છે.

નવસારી જિલ્લામાં હવે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા લાગ્યા છે. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. આ સાથે અનેક પરિવારો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યાં છે.

પૂર્ણા નદીની સપાટી વધતા શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગધેવાન વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યાં છે. જેને લઈ મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી છે. મહત્વનું છે કે, ગધેવાન વિસ્તારમાં અંદાજિત 5,000 થી વધુ લોકો રહે છે.

નવસારીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. રાત્રિ દરમિયાન નવસારી શહેરમાં 9 ઈંચ વરસાદ પડતાં માર્ગો અને ધરોમાં પાણી ભરાઇ ગયા છે. આ તરફ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવીને તમામ શાળામાં રજા જાહેર કરી છે.

error: