Satya Tv News

ચોમાસુ આવતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 174, સાદા મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યુ છે. કન્સ્ટ્રક્શન સાઈટ, શાળા, કોમર્શિયલ સાઈટ પર ચેકિંગ હાથ ધરાયુ છે. વિવિધ એકમોને 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં માત્ર સરકારી હોસ્પિટલોના આંકડાઓ પણ ચિંતાજનક છે. કેમકે છેલ્લા 6 દિવસમાં શરદી-ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં નોંધાયેલા કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 30, મેલેરિયાના 12, ચિકનગુનિયાના 5, શરદી-ઉધરસના 9 હજાર 177, સામાન્ય તાવના 1 હજાર 209 ઝાડા-ઊલટીના 2 હજાર 943 કેસ નોંધાયા છે. રાજકોટના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેમજ ગંદકી પણ વધી રહી છે. જેના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદ છે કે કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે લોકો બિમાર પડી રહ્યા છે.

બીજીતરફ રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા ફોગીંગ, પોરાનાશક દવાનો છંટકાવ અને સર્વે સહિતના કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ તરફ સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં દેખાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો. આ જોતાં પાલિકા આગામી સમયમાં બ્રિડિંગ મળવાના કિસ્સામાં બમણો ચાર્જ વસૂલવા તૈયાર છે.

error: