વડોદરાના પાદરા તાલુકાના ગામેઠામાં સામાન્ય બાબતમાં બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા હતા અને ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી, જો કે ઉચ્ચ અધિકારીઓની કુનેહપૂર્વકની સમયસરની કાર્યવાહીને પગલે મામલો થાળે પડ્યો હતો.200થી 250 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
એક સમુદાયની મહિલાઓ સાથે આધેડ દ્વારા અપમાનજનક શબ્દોચ્ચાર કરતા આ મહિલાઓ દ્વારા વડું પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. વહેલી સવાર સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
10 દિવસમાં બનેલી આ પ્રકારની બીજી ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનો ગામમાં દોડી આવ્યા હતા. આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ બનાવની ગામના સરપંચ નૈતિક જવાબદારી લે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ ના ઘટે તેવી બાંહેધરી સરપંચ પાસે દલિત આગેવાનો દ્વારા માંગવામાં આવી હતી.