ભરૂચ એલસીબી દ્વારા રાજપારડીથી ૭૩ હજારના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયા બાદ એસપી દ્વારા આ આદેશ અપાયો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ તેમજ તેને માટે ઉપયોગી અખાધ્ય ગોળ અને ફટકડીનું પણ ધુમ વેચાણ થાય છે. ભરૂચ જિલ્લા એસપી દ્વારા રાજપારડીના પીએસઆઇ પી.એમ દેસાઇને સસ્પેન્ડ કરી દેવાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજપારડી નગરમાંથી વિદેશી દારૂ ઝડપી લેવાયા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ રાજપારડી પીએસઆઇ પી.એમ દેસાઇને સસ્પેન્ડ કરી દીધા હતા. ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાજપારડીના સડક ફળિયામાં રહેતા સુનિલ મયજી વસાવાના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂ.૭૩,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રાજપારડી ગામેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ભરૂચ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે કડક કાર્યવાહીના ભાગરૂપે રાજપારડી પીએસઆઇ પી.એમ દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે આ બાબતે વધુમાં જાણવા મળ્યા મુજબ હવે જિલ્લામાં જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ પકડાશે તો બુટલેગરની સાથેસાથે જેતે પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ પર પણ કડક કાર્યવાહી કરાશે. આ ઘટના બાદ જિલ્લાના અન્ય પોલીસ મથકોના અધિકારીઓએ પોતાના વિસ્તારના દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હોવાની ચર્ચાઓ પણ જાણવા મળી હતી ! ઉલ્લેખનીય છેકે જિલ્લાના મોટાભાગના શહેરો તેમજ ગામડાઓમાં વિદેશી ઉપરાંત દેશી દારૂના અડ્ડાઓ મોટાપ્રમાણમાં ચાલી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, વળી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનાજ કરિયાણાના ધંધાની ઓથમાં દેશી દારૂ બનાવવામાં ઉપયોગી અખાધ્ય ગોળ તેમજ ફટકડીનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા આ બાબતે પણ કડક કારવાઇ કરવા આગળ આવે તો સારૂ પરિણામ મળવાની સંભાવના રહેલી છે