પૌરાણિક કથા : બહેન જ નહિ પરંતુ પત્ની અને દાદીએ પણ બાંધી છે રક્ષા!
રક્ષાબંધન પર્વમાં બહેન ભાઇના કાંડે રાખડી બાંધીને એના લાંબા જીવનની કામ કરે છે, જ્યારે ભાઇ આજીવન બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. એક સરેરાશ માન્યતા છે, કે આ તહેવાર ભાઇ અને બહેનનો તહેવાર છે, પણ પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતમાં યુદ્ધમાં લડવા ગયેલા પૌત્ર અભિમન્યુની રક્ષા માટે દાદી કુંતાએ તેમજ બીજા એક કિસ્સામાં પતિ ઇન્દ્રની રક્ષા માટે પત્ની ઇન્દ્રાણીએ રક્ષાસુત્ર બાંધ્યું હતું. આ સિવાય ઇતિહાસમાં હિંદુ રાણી દ્વારા પ્રજાના બચાવ માટે મુસ્લિમ શાસકને રાખડી મોકલવામાં આવી હોવાના ઉલ્લેખ છે. મહાભારના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધમાં યુધિષ્ઠિર અને તેમના સૈન્યની રક્ષા માટે રક્ષાબંધનનો તહેવાર મનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે રાખડીના આ રેશમી દોરામાં એટલી શક્તિ છે ,કે એ તમને અનેક મુશ્કેલીઓમાંથી ઉગારી શકે છે. આ યુદ્ધમાં જ્યારે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ લડવા માટે જાય છે, ત્યારે તેના દાદી કુંતાજી અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધે છે. આમ કુંતાજી દાદી હોવા છતાં રાખડી બાંધે છે, કેમ કે રાખડીનું મૂળ કામ રક્ષણ કરવાનું છે. પુરાણોની એક અન્ય દંતકથા પ્રમાણે દેવો અને દાનવો વચ્ચેના એક ભીષણ યુદ્ધ દરમિયાન દેવો હારવાના હતા, ત્યારે દેવોના રાજા ભગવાન ઈન્દ્ર ગભરાઈને બૃહસ્પતિ પાસે ગયા અને તમામ હકીકત જણાવી. એ સમયે ત્યાં બેઠેલાં ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણીએ મંત્રોની શક્તિથી રેશમના દોરાને પવિત્ર કર્યો અને તેને તેના પતિના હાથ પર બાંધ્યો અને પતિની રક્ષાની કામના કરી. આ યુદ્ધમાં ઈન્દ્રનો વિજય આ દોરાના બળથી જ થયો હતો. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો મેવાડના રાણા સંગાના પત્ની એવાં રાણી કર્માવતી (તેઓ કર્ણાવતીના નામે પણ ઓળખાતા હતા)એ પોતાના પર ગુજરાતના સુલતાન બહાદુરશાહના આક્રમણ વખતે મુઘલ રાજા હુમાયુને રાખડી મોકલીને મદદ માગી હતી અને હુમાયુએ પણ રાખડીનું માન રાખીને બહેનની મદદ કરી હતી. ઇતિહાસમાં વણાઇ ગયેલી એક કથા પ્રમાણે સિકંદર અને પોરસની લડાઇમાં સિકંદરની પત્નીએ પોતાના પતિના રક્ષણ માટે પોરસને રાખડી મોકલીને પતિનું અભયદાન માગ્યું હતું.