ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય કનેહ ધરાવનાર સંજય વસાવા નું નામ લોકમુખે ચર્ચામાં…
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ માટે ચાર અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ માટે વીસ દાવેદારો મેદાને;
નર્મદા: નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ પદ માટેની અઢી વર્ષની બીજી ટર્મ માટે આદિજાતિ અનામત સામાન્ય બેઠક જાહેર થતા તે અંગે ચૂંટણી આગામી તા.૧૪ ના રોજ યોજાનાર છે.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ૪, જિલ્લાની ૫ તાલુકા પંચાયતોનાં પ્રમુખ પદ માટે ૨૦ અને રાજપીપળા નગર પાલિકા પ્રમુખ માટે ૪ દાવેદારો એ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. પ્રદેશ ભાજપ તરફથી મોકલાયેલા નિરીક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા બાદ નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ પ્રદેશમાં રજુ કર્યો હતો.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે મનજી વસાવા, ખાનસિંગ વસાવા, સુભાષ વસાવા અને દિનેશ તડવીએ દાવેદારી નોંધાવી છે. જ્યારે નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ માટે અશ્વિનીબેન વસાવા, નિતાબેન વસાવા, જયાબેન તડવી, જયાબેન વસાવાએ અને ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ માટે શંકર તડવી, શાંતિલાલ તડવી, માગતા વસાવા, દિનેશ તડવી અને તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ માટે પ્રદીપ તડવી, પ્રેમજી ભીલ, ઉર્વિશાબેન વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે સંજય વસાવા, રમેશ વસાવા, મધુભાઈ તડવી અને સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ચંપાબેન વસાવા તથા પૂર્વીબેન તડવીએ દાવેદારી નોંધાવી છે. જ્યારે રાજપીપળા નગરપાલિકા પ્રમુખ પદ માટે ધર્મિષ્ઠાબેન પટેલ, કાજલબેન પટેલ, મીરાબેન હાર અને કાજલબેન કાછીયાએ દાવેદારી નોંધાવી છે.
સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે મનજી વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય કુનેહ ધરાવનાર સંજય વસાવાનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
હાલ તો નર્મદા જિલ્લા પંચાયત, જિલ્લાની ૫ તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં મલાઈદાર સમિતિઓમાં સ્થાન મેળવવા લોબિંગ ચાલી રહ્યું છે. તેમજ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ પક્ષની બહુમતી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે સપ્ટેમ્બર ના બીજા સપ્તાહ બાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા સુકાનીઓ વહીવટ સંભાળશે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા