વેરહાઉસનો ઇમરજન્સી એક્ઝિટ ગેટ તોડી બે ડ્રમમાં રહેલ 27.49 કિલો પાઉડર તસ્કરો લઈ ગયા
CCTV માં કંપનીની દીવાલ કૂદી 3 તસ્કરો ડ્રમ ઉઠાવી ગયા
ઔદ્યોગિક ભરૂચ જિલ્લાની કંપનીમાં છેલ્લા એક બે વર્ષથી કિંમતી કેમિકલની ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. દહેજના લખીગામે આવેલી ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ કંપનીમાંથી 27.49 કિલો 10 % પેલેડીયમ ઓન કાર્બન ડ્રાયની ₹67.39 લાખની ચોરીની વધુ એક ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાઇ છે.
ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીમાં વેરહાઉસ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કેતન પારેખે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપનીમાં વેરહાઉસમાં 4 દરવાજા અને 3 કાચના ઇમરજન્સી એકસીઝટ છે. વેરહાઉસમાં રેકમાં બે ડ્રમમાં રેક ઉપર 30.68 કિલો પૌઉડરનો જથ્થો હતો. જે 19 સપ્ટેમ્બર સુધી 3.19 કિલો વપરાયો હતો. આ પાઉડર હાઇડ્રોજીનેશન પ્લાન્ટમાં ઉદીપક તરીકે વપરાય છે.
કંપનીમાંથી વેરહાઉસ મેનેજર પર 20 સપ્ટેમ્બરે ફોન આવ્યો હતો. વેરહાઉસનો પાછળનો ઇમરજન્સી એક્ઝિટ તૂટેલો હતો. તપાસ કરતા રેક પર મૂકેલા અતિ કિંમતી પેલેડીયમ ઓન કાર્બન પાઉડરના બે ડ્રમ ગાયબ હતા.
કંપનીના CCTV ચેક કરતા 3 તસ્કરો દીવાલ કૂદી અંદર આવ્યા હતા. જેઓએ કાચનો ઇમરજન્સી એક્ઝિટ તોડી કિંમતી પાઉડરની ચોરી કરી હતી. દહેજ પોલીસે ફરિયાદના આધારે લાખોની ચોરી અંગે આગળની તપાસ હાથ ધરી છે.