Satya Tv News

ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ પણ કહેવાતા પર્યાવરણ વાદીઓ અને ગૌ રક્ષકો કેમ ચુપ છે?

ગાયોના મોત માટે કોણ જવાબદાર? પ્રદુષિત પાણી પીવાનું કારણ કે પછી અન્ય કારણ?

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં છેલ્લા દસથી પંદર દિવસ દરમિયાન કુલ ચૌદ જેટલી ગાયોના મોત થયા હોવાની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગતો જોઇએ તો જીઆઇડીસીમાં સરદારપુરા ચોકડી પાસે પાછલા પંદર દિવસો દરમિયાન દસ જેટલી ગાયોના મોત થયા હતા જ્યારે તા.૨૬ મીના રોજ એકસાથે ચાર ગાયો મૃત હાલતમાં મળતા કુલ ૧૪ જેટલી ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જ્યારે આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી એસોસિયેશનના અધિકારી ચૈતન્ય ચદ્દરવાલાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ગાયોના મોત બાબતે જાણ કરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છેકે ગાયોના મોત થવાની ઘટનાઓ છેલ્લા પંદર દિવસથી થઇ રહી હોવા છતાં આ બાબતે ફોરેન્સિક તપાસ થઇ છેકે કેમ તે બાબતે પણ રહસ્ય સર્જાયું છે. આટલી મોટી સંખ્યામાં ગાયોના સાગમટે મોત થયા બાદ પણ આ ઘટના જાણે નાની હોય એમ એની ગંભીરતાથી કેમ નોંધ નથી લેવાઇ એ બાબતે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે કહેવાતા પર્યાવરણ વાદીઓ અને કહેવાતા ગૌ રક્ષકો પણ આ બાબતે હજુ સુધી કેમ ચુપ છે એ બાબતે પણ રહસ્ય સર્જાયું છે. ઝઘડિયા જીઆઇડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાની ઘટનાઓ જગજાહેર છે, વળી જીઆઇડીસીમાં કેટલાક સ્થળોએ કચરાના ઢગલા પણ જોવા મળતા હોય છે અને આ કચરો પણ કેમિકલયુક્ત હોય એ પણ સ્વાભાવિક ગણાય !ત્યારે એકસાથે ચૌદ જેટલી ગાયોનું મોત થયું તેમાં કયું કારણ જવાબદાર ગણાય? જીઆઇડીસીનું પ્રદુષિત પાણી પીવ‍ાથી કે પછી ઘન કચરો ખાવાથી થયું હોવાની પુરેપુરી સંભાવના આ ઘટનામાં જોવા મળે છે. વળી આ ગાયોના માલિક કોણ છે એ બાબતે પણ હજુ કોઇ પ્રકાશ પડ્યો નથી. ત્યારે તાલુકા જિલ્લાના અધિકારીઓ તેમજ જાગૃત નાગરીકો આ ઘટના સંદર્ભે આગળ આવશે ખરા? આ અંગે પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું કે મૃત ગાયોનું પશુ ચિકિત્સક દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું, પરંતું જો ફોરેન્સિક તપાસ કરવામાં આવી હોયતો ઘટનાના કારણના મુળ સુધી પહોંચવામાં વધારે અસરકારક મદદ મળી શકત. જોકે હાલતો ઝઘડિયા જીઆઇડીસીમાં ચૌદ જેટલી ગાયોના સાગમટે થયેલ મોત બાબતે રહસ્ય સર્જાયેલું સ્પસ્ટપણે દેખાઇ રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: