બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા. ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું કે, તેમાંથી કેટલાકને ખબર પડી કે, દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવાની યોજના બનાવી છે.
કેનેડા અને બ્રિટનના ઘણા શહેરોમાં શીખોની વસ્તી ઘણી વધારે છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિંદુ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેના ગુરુદ્વારાનો પ્રમુખ હતો. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકો રોષે ભરાયા છે. ખાલિસ્તાની સમર્થકો માટે શુક્રવારે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂક કોઈ નવી વાત નથી. બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકો આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યા છે.
આ વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ સરેમાં ગુરુદ્વારાની પાર્કિંગ જગ્યા પાસે ગોળી મારી હતી. તેમની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાન સમર્થકો કેનેડા, બ્રિટન અને અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.