ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
શનિવારે સવારે જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે ઈઝરાયેલમાં હવાઈ હુમલાના પડઘા સંભળાવા લાગ્યા હતા. ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના રોકેટ હુમલાનો ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો. ઇઝરાયેલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમએ આકાશમાં હમાસના રોકેટોનો નાશ કર્યો હતો, જોકે કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે નુકસાન થયું હતું. હમાસના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાયેલે યુદ્ધનું એલર્ટ વગાડ્યું અને જવાબી કાર્યવાહી કરી.