
સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરીએ અને ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા. 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિકજામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું નથી. જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
પોદાર આર્કેડ ખાતે બેરિકેટ મારી દેવામાં આવ્યું હતું. જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી. તેમના જાણીતાંને બેરીકેટ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું.
વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યું છે, જોકે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે. જેથી ગરનાળું બંધ થતાં તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું નથી. જેના કારણે વરાછાથી પોદાર આર્કેટ સુધીમાં બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો.
ટ્રાફિકજામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે જાણ થતા જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો.