ગુરૂવારે પંજાબ સહિત દિલ્હી-એનસીઆર, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા. હજી સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2ની તીવ્રતા હતી.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારની દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. અહીંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ભાગતા જોવા મળી રહ્યા છે.
અફઘાનિસ્તાનના કેન્દ્રબિંદુવાળા 6.2ના ભૂકંપને કારણે ઉત્તર ભારતના રાજ્યોની ઉપરાંત પાકિસ્તાનના પણ અનેક શહેરો ધણધણી ઉઠ્યાં હતા. પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના શહેરોમાં પણ ધરતી ધ્રૂજી હતી.
વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની સંરચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે. અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરતી રહે છે. ઘણી વખત આ પ્લેટ એકબીજા સાથે ટકરાઈ જાય છે. વારંવારની ટક્કરને કારણે ઘણી વખત પ્લેટોના ખૂણા વળી જાય છે .અને વધુ દબાણ આવે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહારની તરફ જવાનો માર્ગ શોધી કાઢે છે. જ્યારે આ કોઈ ખલેલ પેદા કરે છે, ત્યારે તે પછી ધરતીકંપ આવે છે.