અમેરિકા અને બ્રિટને યમનમાં હુથી બળવાખોરો સાથે જોડાયેલા ઠેકાણા પર હુમલા શરૂ કર્યા છે. ઈરાન સમર્થિત મિલિશિયા જૂથે ગયા વર્ષના અંતમાં લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. અમેરિકા અને બ્રિટન દ્વારા હુથીઓના સ્થાનો પર હુમલો તેનું પરિણામ હોવાનું કહેવાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યમન તેના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે મોડી રાત્રે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, જો જરૂર પડશે તો તેઓ આગળની કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહ સ્થાનો પર બોમ્બમારો ચાલુ છે.
અહેવાલો અનુસાર ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 140 થી વધુ હિઝબુલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા છે તો 9 ઇઝરાયેલ સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. યમનમાં હુથી બળવાખોરોના ઠેકાણાઓ પરના હુમલા અંગે જો બિડેને કહ્યું, આ લક્ષિત હુમલાઓ સ્પષ્ટ સંદેશ છે કે, અમેરિકા અને અમારા સહયોગી દેશો તેમના જવાનો પરના હુમલાને સહન કરશે નહીં અથવા કોઈને પણ દરિયાઈ વેપાર માર્ગોની સ્વતંત્રતા પર ખતરો ઊભો કરવાની મંજૂરી આપશે નહીં.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યમનમાં હુથી સ્થાનો પરના હુમલા બાદ એવા પ્રારંભિક સંકેતો છે કે, વેપારી જહાજોને નિશાન બનાવવાની તેમની ક્ષમતાને ફટકો પડ્યો છે. હુથીના એક અધિકારીએ યમનની રાજધાની સના, તેમજ સાદા, ધમાર અને હોદેઇદા પ્રાંતના શહેરો પર હુમલાની પુષ્ટિ કરી અને તેને યુએસ-ઇઝરાયેલ-યુકે આક્રમણ ગણાવ્યું. એક અમેરિકન અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, હુથી સ્થાનો પર યુદ્ધ વિમાનો, નૌકાદળના જહાજો અને સબમરીન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા.