શિયાળામાં ફ્લાઈટ કેન્સલ અથવા ફ્લાઈટમાં વિલંબ એ કંઈ નવી વાત નથી. ગાઢ ધુમ્મસને કારણે દર વર્ષે આવું થાય છે. છેલ્લા ઘણા દિવસોથી ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ મોડી અને કેન્સલ થઈ રહી છે. એવામાં હવાઈ મુસાફરો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારા વ્હોટ્સએપ પર સીધા જ ફ્લાઈટમાં વિલંબ વિશે માહિતી મેળવી શકશો. ભારતીય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે, જેના હેઠળ એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટની સ્થિતિ વિશે રીઅલ-ટાઇમમાં જાણ કરવી પડશે, જેમાં વિલંબ અથવા કેન્સલેશન વિશેની માહિતીનો સમાવેશ થાય છે. મુસાફરોને વ્હોટ્સએપ, SMS અથવા ઈ-મેલ દ્વારા ફ્લાઈટમાં વિલંબ વિશે જાણ કરવામાં આવશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરલાઇન્સને એરપોર્ટ પર સ્ટાફને સંવેદનશીલ બનાવવા કહ્યું.
-DGCAએ કહ્યું કે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઈટના વિલંબ અંગે અગાઉથી જાણ કરવી જોઈએ.
-એરલાઇન્સે તેમની ફ્લાઇટના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે.
-ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલેશન વિશે અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ/વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા અગાઉથી માહિતી આપવાની રહેશે.
-એરપોર્ટ પર એરલાઇન સ્ટાફે લોકો સાથે યોગ્ય રીતે વાતચીત કરવી અને મુસાફરોને ફ્લાઇટના વિલંબનું કારણ ગંભીરતાથી સમજાવવું મહત્વપૂર્ણ છે.
- સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે તમામ એરલાઈન્સે તાત્કાલિક અસરથી ઉપરોક્ત SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે.