શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જોકે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે નક્કર તૈયારીઓ કરી છે. ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે નાસભાગની સ્થિતિ છે. આ પહેલા ખેડૂતોએ સવારે 11 વાગ્યે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ જવાની જાહેરાત કરી હતી. ખેડૂતો આગળ વધવાની તૈયારી કરી શક્યા કે તરત જ ડ્રોનમાંથી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા. સરકાર પાંચમા રાઉન્ડ માટે સંમત થઈ છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, તેઓ ભવિષ્યમાં પણ ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, શાંતિ જાળવવી જરૂરી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 13 મુદ્દાની માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી 10 પર સંમતિ આપવામાં આવી છે. ત્રણ માંગણીઓની પૂર્તિ અંગે દ્વિધા છે. સરકારનું કહેવું છે કે, આ માંગણીઓ પૂરી કરવા માટે સમયની જરૂર છે. જોકે સરકારે MSP ગેરંટી અંગે ખેડૂતોને એક ફોર્મ્યુલા પણ રજૂ કરી હતી.
ખેડૂતોની સૌથી મોટી માંગ MSP પર કાનૂની ગેરંટી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP પર કાયદો લાવવો જોઈએ. ખેડૂતો એમએસપી પર સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકારે એમએસપીની ગેરંટી અંગે કાયદો લાવવાનું વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી આવું થયું નથી.સ્વામિનાથન પંચે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી આપવાની ભલામણ કરી હતી. પંચના અહેવાલને 18 વર્ષ વીતી ગયા છે, પરંતુ એમએસપી અંગેની ભલામણો હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. આ સિવાય ખેડૂત સંગઠનોએ પેન્શન, લોન માફી, વીજળીના દરમાં વધારો ન કરવો જોઈએ અને લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની પણ માંગ કરી રહી છે.