કોંગ્રેસની નવસારી બેઠક ઉપર એહમદ પટેલના પુત્રી મુમતાઝે નવસારી બેઠક માટે દાવો કરતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાવા પામી છે. આ મુદ્દે મુમતાઝના સમર્થકો દ્વારા સોનિયા ગાંધી સાથે વાતચીત થઈ ગઈ હોવાનો પુરજોશથી પ્રચાર શરૂ થયો હતો અને કોંગ્રેસના સોશ્યલ મિડિયા ગ્રુપમાં પણ આ મુદ્દે તરફે અને વિરોધમાં ટિપ્પણીઓ શરૂ થઈ છે.
આ વિવાદ વકરતા પક્ષ દ્વારા પણ વિસ્તાર કામદારો અને એલિટ વર્ગ બંને માટે મહત્વનો હોય સ્થાનિક ઉમેદવારને પસંદગી અપાય એવો પ્રતિભાવ પ્રદેશ કક્ષાએ મોકલાવ્યો છે. જેમાં જણાવાયું છે કે, સુરત અને નવસારીમાં સંગઠનનું માળખું તૈયાર કરવાની જરૂર છે એવા સમયે આયાતી ઉમેદવાર મુકાય તો સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.
જો કે, સોમવારે સવારથી જ મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં આવતા ઈશ્વર ફાર્મ ઉપર સવારથી મિટિંગનો શરૂ થયેલો દૌર મોડી સાંજ સુધી ચાલ્યો હતો. આ મુદ્દે શહેર પ્રમુખ ધનસુખ રાજપુતે જણાવ્યું હતું કે, કોઈ પણ દાવેદારી કરી શકે પરંતુ અમે સંગઠન મજબુત કરવા સ્થાનિક ઉમેદવાર મુકાય એવી લાગણી પ્રદેશ સમક્ષ વ્યક્ત કરી છે.
ગઠબંધનને કારણે ભરૂચની બેઠક કોંગ્રેસે આપને આપી છે. આ સંજોગોમાં હવે નવસારી બેઠક માટેની દાવેદારી ઉપર આવતી કાલે મળનારી કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક પર સૌેની મીટ મંડાયેલી છે.