લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના ભૂતપૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે બુધવારે મોડી રાત્રે જાહેરાત કરી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી.
સાવિત્રી જિંદાલે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી અને લખ્યું કે, મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે, હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.