ભરૂચથી અંકલેશ્વર તરફ જતા જુના બોરભાઠા બેટ ગામ નજીક રેલવે ટ્રેક પર એક મુસ્લિમ યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ મથકના પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં રવિવારના રોજ સાંજના સમયે એક યુવક અને યુવતીએ કોઈ કારણોસર ભરૂચથી અંકલેશ્વર તરફ જતાં જુના બોરભાઠા બેટ ગામ નજીક કોઈ કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરતા જુના બોરભાઠા બેટ ગામમાં ચકચાર મચી ગઇ હતી. બંનેના મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યા હોવાની જાણ ગ્રામજનોને થતાં જ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ ભરૂચ રેલ્વે પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી બંનેના કપાયેલા મૃતદેહને સાઈડ પર હટાવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી બંનેના વાલી-વારસની શોધખોળ આરંભી હતી. જોકે, રેલવે ટ્રેકની થોડા નજીક એક મોપેડ પણ મળી આવ્યું હતું તે આ લોકોનું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે
આ મમાલે પોલીસે વધુ તપાસ દરમિયાન આ યુવક અંકલેશ્વરના ગુરુનાનક મંદિર પાછળ હસ્તી વાવ પાસે રહેતો તોફિક ખાલીક શેખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેના વાલી વારસોને તેની ઓળખ કરાવી છે.જ્યારે યુવતી પણ અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે રહેતી અમરીનબાનું જેનુરઆબીદીન બરફવાલા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે, તોફિક શેખના લગ્ન થઈ ગયેલા હોય અને તેની પત્ની ઈદ કરવા માટે ત્રણ વર્ષની પુત્રીને લઈને પીયરમાં ગઈ હતી. ત્યારે બંનેએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે બાબતે પોલીસે તપાસ ચલાવી છે.