ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે સોમવારે એક મોટરસાઇકલ ઊંડી ખીણમાં પડી જતાં તેના પર સવાર બે યાત્રાળુઓના મોત થયા હતા. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે બંને યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના સુરતનો હતો. બીજો વ્યક્તિ મધ્યપ્રદેશનો રહેવાસી હતી. આ બંને બાઈક પર સવાર થઈને ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર રોડ પરથી 150 મીટર નીચે પડી ગયું હતું અને ભાગીરથી નદીના કિનારે પડ્યું હતું.
મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી 47 વર્ષીય આશિષ મિશ્રા અને ગુજરાતના સુરતના રહેવાસી 26 વર્ષીય મીત કાછડિયા તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓએ સ્થાનિક રહેવાસીઓની મદદથી મૃતદેહોને બહાર કાઢી લીધા હતા. આ પછી એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ લવાયા હતા. આ ઘટનાની જાણ પરિજનોને કરાતા આખો પરિવાર શોકમાં છે.
