અજીત પવારની એનસીપીમાંથી ચાર નેતાઓએ રાજીનામું આપી દેતા મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઉથલપાથલના એંધાણ મળી રહ્યા છે. પક્ષ ત્યાગનાર આ ચારેય નેતાઓ શરદ પવાર ની એનસીપીમાં જોડાઈ જશે.
લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવ બાદ અજીત પવાર જૂથના અનેક નેતાઓ શરદ સવારની એનસીપીમાં પરત ફરવા માટે ઉત્સુક હોવાની ચર્ચા વચ્ચે અજીત પવારની એનસીપીના ગઢ ગણાતા પીંપરી ચિંચવાડ યુનિટના પ્રમુખ અજીત ગવહાને, વિદ્યાર્થી પાંખના પ્રમુખ યશ સાને અને ભૂતપૂર્વક કોર્પોરેટરો રાહુલ ભોંસલે અને પંકજ ભાવેકરે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા હતા.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે અજીત જૂથના ધારાસભ્યો પરત ફરી રહ્યા હોવા અંગે શરત સવારે પણ આ અગાઉ નિર્દેશ આપ્યા હતા. તેમણે જે લોકો પક્ષને નબળો પાડવા માગતા હતા તેમને પરત લેવાનો ઇનકાર કરી જે લોકો સંગઠનને મજબૂત કરવાની ક્ષમતા ધરાવતા હોય તેમને પરત સ્વીકારવાની તૈયારી બતાવી હતી