Satya Tv News

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 2019થી 2021 દરમિયાન એક લાખ જેટલી મહિલાઓ ગુમ થઇ ગઇ છે. મોટાભાગના કિસ્સામાં તરુણ વયે ગુમ થયેલી યુવતી બાદમાં પુખ્ત અવસ્થાએ પહોંચે તે પછી પોલીસ પૂરતી તપાસ કરવાને બદલે હાથ ખંખેરી નાખે છે.આ મહિલાઓને શોધવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવા સરકારને આદેશ આપવાની માંગ કરતી જાહેર હિતની એક અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

સાંગલીના એક નિવૃત લશ્કરી જવાનના પિતાએ આ અરજી કરી છે. કોલેજમાં ભણતી તેમની દીકરી ડિસેમ્બર 2021માં ગાયબ થઇ હતી. તેમણે સંજય નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ આ યુવતીની ભાળ મેળવી શકી નહતી. બાદમાં તેમને કહેવાયું હતું કે તેમની દીકરીએ લગ્ન કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે.

છેલ્લે 2021ની 15મી ડિસેમ્બરે માત્ર બે મિનિટ માટે તેમનો તેમની દીકરી સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો. હજુ સુધી સમગ્ર પરિવાર ભારે વેદનામાં છે અને તેમને ખ્યાલ જ નથી કે દીકરી કુટુંબ સાથે નાતો છોડીને ક્યાં ગઇ છે. પોલીસ એમ કહીને તપાસમાં ગલ્લાંતલ્લાં કરી રહી છે કે હવે તમારી દીકરી પુખ્ત થઇ ચૂકી છે અને તેને પોતાની મરજી મુજબ ગમે ત્યાં રહેવાનો અધિકાર છે. તે ગાયબ થઇ ત્યારે સગીર વયની હતી તે વાત પોલીસ ધ્યાનમાં લેતી નથી.

અરજદાર પિતાએ બાદમાં પોતાની રીતે તપાસ કરી તો તેમની નજર સમક્ષ ચોંકાવનારો ડેટા આવ્યો હતો. 2019થી 2021 વચ્ચે મહારાષ્ટ્રમાં આવી રીતે એક લાખ મહિલાઓ ગાયબ થઇ ગઇ છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા કોઇ તપાસ જ થતી નથી. તેમને મળેલા ડેટા અનુસાર 2019માં 35990 મહિલા ગાયબ થઇ હતી. 2020માં 30089 મહિલા ગાયબ થઇ હતી. 2021માં 34763 મહિલા ગુમ થઇ ગઇ હતી.

error: