મુંબઈ : ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર બાળકોને યૌન અપરાધોથી બચાવવા માટે POCSO એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં કોર્ટે આ નિર્ણય આપ્યો છે. ન્યાયાધીશ અશ્વિની લોખંડેએ કહ્યું કે આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી ચોક્કસપણે 14 વર્ષની સગીર છોકરીના હૃદયને ઠેસ પહોંચી છે. 30 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આરોપીને છેડતીનો દોષી ઠેરવ્યો હતો. જોકે, આરોપીને કડક પોક્સો એક્ટ હેઠળ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, સગીર બાળકીની માતાએ સપ્ટેમ્બર 2019માં સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે તેની પુત્રી ચાની પત્તી ખરીદવા નજીકની દુકાને ગઈ હતી, પરંતુ રડતી રડતી ઘરે પરત ફરી. ફરિયાદ અનુસાર, જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે છોકરીએ તેની માતાને કહ્યું કે એક વ્યક્તિ બિલ્ડિંગના પહેલા માળે તેની પાછળ આવ્યો, તેનો હાથ પકડીને ‘આઈ લવ યુ’ કહ્યું. જોકે, યુવકે તેના પર લાગેલા આરોપમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે આરોપીનો અપરાધ સાબિત કરવા માટે પીડિતા અને તેની માતા સહિત ચાર સાક્ષીઓની તપાસ કરી હતી.